Monday, March 30, 2020

અમે પત્રકારો...


અભિની અભેરાઈમાંથી

ટાઢ, તડકો અને વરસાદ ન જુએ એ સાચ્ચો પત્રકાર. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાતા આ પત્રકારો પોતાની જાત જિંદગીભર ઘસી નાંખે છે અને એ પણ પોતાના માટે નહિ પરંતુ સુદ્રઢ સમાજના ઘડતર માટે. દુનિયાની ચોથી જાગીર કહેવાતા પત્રકારો પોતાના જીવના જોખમે પણ સમાજને સાચ્ચો રાહ હંમેશા ચીંધતા હોય છે. પત્રકારો એક સેતુ, નેટવર્ક બનીને પ્રજાનો અવાજ સરકાર સુધી અને સરકારની સારી ખરાબ વાતો પ્રજા સુધી પહોંચાડતી હોય છે. પરંતુ, કેટલીક વખત આ પત્રકારોને પ્રજા એટલે કે કેટલાંક રાજકીય પક્ષોના હાથા બની ગયેલા લોકો આ પત્રકારોને કોઈ પક્ષના પીઠ્ઠુ બની ગયાના લેબલ લગાવીને બદનામ કરે છે. તેમ છતાં પણ આ કર્મનિષ્ઠ પત્રકારો પોતાની કલમની તાકાત ઉપર આવા લોકોની સાથે પણ સારો વર્તાવ કરતાં હોય છે. જોકે, જે તે પક્ષના લોકો આવા પત્રકારો સાથે ખરાબ વર્તાવ જ કરતાં હોય છે. તેમ છતાં પણ પત્રકારો હસતા મોંઢે બધું સહન કરીને પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાતના પત્રકારોની વાત કરીએ તો વર્ષોથી ગુજરાતમાં કંઈકને કંઈક કુદરતી આપત્તિઓ આવી છે. અને આ આપત્તિઓમાં પણ ગુજરાતના પત્રકારોએ પોતાની ભૂમિકા એક સૈનિકની માફક નિભાવી જ છે. પછી તે ભલેને મચ્છુ ડેમની હોનારત હોય, વર્ષ 2001માં આવેલો વિનાશકારી ભૂકંપ હોય, દુષ્કાળ હોય કે પછી અતિવૃષ્ટિ અને છેલ્લાં બે ત્રણ વર્ષથી આવેલા વિવિધ પ્રકારના વાવાઝોડાં હોય. તમામ કુદરતી આપત્તિઓમાં પ્રજાના સાચ્ચા સેવક બનીને આ પત્રકારોએ પોતાની કામગીરી બજાવી છે. આ પ્રકારની કુદરતી હોનારતોમાં સરકારો દ્વારા અસરગ્રસ્તો માટે હંમેશા વિવિધ આર્થિક પેકેજની જાહેરાતો થાય છે. અને આ જાહેરાતોને પહેલાં માત્ર અખબારો હતા તો એ સમયે પોતાની કલમ દ્વારા લખીને અખબારોમાં પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ન્યૂઝ ચેનલો આવી છે ત્યારથી અખબારોના પત્રકારો લખીને અને ન્યૂઝ ચેનલના પત્રકારો કેમેરા સામે આવીને બોલીને રજૂ કરે છે. પરંતુ, શું ક્યારેય આ સરકારોએ પત્રકારો માટે કોઈ યોજના બનાવી છે ખરી? આવો સવાલ છેલ્લાં કેટલાંય વર્ષોથી મારા મનમાં ઘૂમરાયા કરે છે. પરંતુ ત્રીસ વર્ષની પત્રકારત્વની કારકિર્દીમાં ક્યારેય પત્રકારો માટે કોઈ વિશેષ યોજના કોઈપણ સરકારો દ્વારા જાહેર નથી કરાઈ અને કરાઈ હશે તો તે માત્રને માત્ર સરકાર માન્ય પત્રકારો માટે જ કરાઈ હશે. (આ લખું છું એમાં કોઈ પત્રકારોની ટિકા ટિપ્પણી નથી કરતો કે વિરોધ પણ નથી કરતો.) પરંતુ, આપણાં રાજ્યના સરકાર માન્ય પત્રકારોની સંખ્યા કરતાં એટલે કે એક્રિડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારો કરતાં આ પ્રકારનું કાર્ડ ન ધરાવતા પત્રકારોની સંખ્યા વધુ છે અને મોટાભાગના આવા પત્રકારો આવી કુદરતી આપદાઓમાં સતત દોડતા હોય છે. તો શું સરકારે આવા પત્રકારની વ્યથા ક્યારેય સાંભળી છે ખરી? ચાલો ત્યારે ફરી મૂળ મુદ્દા પર આવું તો પત્રકારો પોતાની ફરજ નિભાવવા માટે ગમે તેવા જોખમ પણ ઉઠાવી લેતા હોય છે. અને તેમાં તેમનો કોઈ સ્વાર્થ નથી હોતો પણ સમાજ માટે તે આ જોખમ ખેડતા હોય છે. આ બાબતના એક બે ઉદાહણ આપું તો, વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ ગુજરાત આખ્ખાને હચમચાવી નાંખનારો વિનાશકારી ભૂકંપ આવ્યો અને એનું એપિ સેન્ટર કચ્છ હતું. આ ભૂકંપ એટલો ભયાવહ હતો કે, તેમાં કચ્છમાં ભારે નુકસાની થઈ હતી. આ ભૂકંપની અસર રાજ્યના ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં થઈ હતી. એ વખતે નવી નવી રાષ્ટ્રીય હિન્દી ચેનલો હતી અને એ તમામ જે તે વખતે અમદાવાદ અને કચ્છ ઉમટી પડી હતી. ગુજરાતી ચેનલો બહુ જૂજ હતી અથવા તો નહોતી એમ કહીશ તો અતિશયોક્તિ નહિ હોય. અને એ વખતે ગુજરાતના તમામ અખબારોના પત્રકારો રાત દિવસ જોયા વગર સતત ભૂકંપને કારણે થયેલા નુકસાન અને અસરગ્રસ્તો તેમ જ અસરગ્રસ્ત વિસ્તારો કેવી રીતે બેઠા થશે એ અંગેના અખબારી અહેવાલો પોતાની કલમો દ્વારા રજૂ કરીને લોકોને સાચી માહિતી પૂરી પાડતાં હતાં. અને આ તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે મોટાભાગના અખબારનવીશો ભૂંકપ પીડિત કચ્છમાં ધામા નાંખીને બેઠા હતા અને એમાં હું પણ હતો. કચ્છ જતાં પહેલાં અમે તત્કાલિન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ દ્વારા રોજે રોજ યોજાતી પત્રકાર પરિષદ અને તેમની સરકાર તેમ જ કેન્દ્ર સરકાર અને વિશ્વના અન્ય દેશોએ ભૂકંપગ્રસ્ત વિસ્તારો માટે કયા પ્રકારની સહાય કરવામાં આવી છે તેની વિગતો લેતા હતા. ભૂકંપગ્રસ્ત કચ્છનો ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા ગયેલા પત્રકારોને ઘણાં અનુભવો થયા પણ તેઓ આવા કપરાં સંજોગોમાં પણ પોતાની ફરજ નહોતા ચૂક્યાં.

આ તો થઈ ભૂકંપની વાત આ ઉપરાંત અન્ય કેટલીક કુદરતી હોનારતોમાં પણ પત્રકારો (એન્કર્સ, ફિલ્ડ રિપોર્ટર્સ, ડેસ્ક રિપોર્ટર્સ) હંમેશા ખડેપગે પોતાની ફરજ નિભાવી હતી. તેમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન રાજ્યમાં આવેલા વિવિધ વાવાઝોડાંનો પણ સમાવેશ થાય છે. અને હવે વાત કરીએ દેશમાં અને ગુજરાતમાં આવેલા કાતિલ કોરોના વાઈરસની તો આ વાઈરસની ચૂંગાલમાં દેશ અને રાજ્ય જ્યારથી સપડાયું છે ત્યારથી તમામ ન્યૂઝ ચેનલ અને અખબારોના પત્રકારો પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર મોં પર માસ્ક અને હાથમાં સેનેટાઈઝર રાખીને ખડેપગે કોરોનાના અહેવાલો પ્રજા સુધી પહોંચાડે છે. આ માટે તેમને વિવિધ હોસ્પિટલોમાં પણ જવું પડે છે તેમ જ કોરોનાગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવી પડે છે. પણ તેમણે ક્યારેય આ વાઈરસની અસર થશે તો એવું વિચારીને તેનું કવરેજ કરવાનું માંડી વાળ્યું નથી. ઉલ્ટાનું સરકાર અને સરકારી અધિકારીઓ સાથે સંકલન કરીને સાચ્ચી માહિતી પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. આ વાઈરસનો કાળો કેર લગભગ એક મહિનાથી ચાલી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય અખબારો અને ચેનલો હોય કે પ્રાદેશિક અખબારો અને ચેનલો આ તમામના પત્રકારો આખ્ખો દિવસ કાર્યરત રહીને કોરોના સામેના જંગમાં લોકોને સાવચેત કરે છે. દેશમાં લોકડાઉન જાહેર થયું છે ત્યારથી આ પત્રકારો પોતાની ડ્યૂટી સતત નિભાવી રહ્યા છે અને સતત પ્રજાને અપડેટ કરી રહ્યા છે. કોરોનાને લઈને જે લોકડાઉન જાહેર થયું અને જે તકલીફો શ્રમજીવીઓને પડી તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિચાર્યું પણ જે પત્રકારો આવી આપદા સમયે પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમના માટે કોઈએ વિચાર્યું નથી. દેશની સરહદોને સુરક્ષિત રાખવાનું કામ આપણાં સૈનિકો કરે છે, જે તે રાજ્યમાં સુરક્ષાનું કામ પોલીસ કરે છે એમ સમાજને દેશ દુનિયાની સાચ્ચી માહિતી પૂરી પાડવાનું કામ કરતાં પત્રકારોને સો સો સલામ...

- અભિજિત
30 માર્ચ 2020 

Sunday, March 8, 2020

દીર્ઘ દ્રષ્ટિ અને ટૂંકી દ્રષ્ટિ વચ્ચેનો ફરક

અભિની અભેરાઈમાંથી...

મિત્રો, થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 માર્ચે રાત્રે 8.56 વાગે એક ટ્વિટ કરીને એવો સંદેશો આપ્યો કે, ‘હું વિચારું છું કે, રવિવારે મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ આપી દઉં.’ એ દિવસે વિવિધ રાજકીય નેતાઓ અને મીડિયાએ તેમની આ વાતનો ઉંધો મતલબ કાઢ્યો હતો. અને લોકોએ આ મામલે પોતાના વિચારો રજૂ કરીને વણમાગી સલાહ પણ આપી દીધી. આટલું ઓછું હોય એમ આપણા દેશના સૌથી જૂના રાજકીય પક્ષ (જેને આઝાદી બાદ મહાત્મા ગાંધીએ વિખેરી નાંખવાની વાત કરી હતી) એ કોંગ્રેસના નેતા અને કેરલના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ તો હદ જ કરી નાંખી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટ્વિટના પ્રત્યૂત્તરમાં એવું લખ્યું કે, ‘સોશિયલ મીડિયા નહિ, પણ નફરત છોડો.’ જોકે, એ રાત્રે હું મારા ટ્વિટર એકાઉન્ટ પર ખણખોદ કરતો હતો ત્યારે મારી નજર એક ટ્વિટ પર ગઈ. જે જાણીતા મહિલા વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટે કરેલી હતી. તેમણે આ ટ્વિટ 2 માર્ચે રાત્રે 10.29 વાગે કરી હતી, જેમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે, ‘વડાપ્રધાન કાર્યાલયમાં તેમના એક વરિષ્ઠ અધિકારી જે તેમના મિત્ર પણ છે તેમણે એવું કહ્યું હતું કે, રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને એ દિવસે તેઓ પોતાના સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ કેટલીક એવી મહિલાઓને સોંપશે કે જેઓ દેશની અન્ય મહિલાઓ કે દેશ માટે પ્રેરણારૂપ સાબિત થઈ હોય.’ અને થયું પણ એવું જ, બીજા દિવસે એટલે કે 3 માર્ચે બપોરે 1.16 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિક કર્યું, અને તેમાં એમણે એવું લખ્યું કે, ‘આ રવિવારે મારા સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ એવી મહિલાઓને આપીશ કે જેઓ આપણે કંઈક પ્રેરણા આપે છે.’

 આ વાત એટલા માટે યાદ આવી કેમ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં એટલા સક્રિય છે કે, તેઓ ક્યારેય આ છોડી જ ન શકે. અને એ વાતનો પુરાવો અહીં આજે રજૂ કરું છું. હું જ્યારે 1995માં NDTVના ગુજરાતના પ્રતિનિધિ તરીકે કામ કરતો હતો, ત્યારે રાજદીપ સરદેસાઈ સાથે હું અમદાવાદમાં સ્ટોરી કરવા માટે ફરતો હતો અને એ સમયે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ અને એ અરસામાં હું અને રાજદીપભાઈ બન્ને ભાજપના તે સમયના પ્રદેશ કાર્યાલય ખાનપુર ગયા હતા. એ સમયે નરેન્દ્રભાઈ મોદી ભાજપના સંગઠન મંત્રી હતા અને તેઓ પ્રદેશ કાર્યાલયના ત્રીજા માળે એક રૂમમાં રહેતા હતા. ચૂંટણીની જાહેરાત થવાની હતી કે થઈ ગઈ હતી એ અત્યારે એટલું યાદ નથી પણ એ વાત નક્કી છે કે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેઓ સતત કાર્યરત રહેતા હતા. અને એ વખતે મને યાદ છે કે, ભારતમાં ઈન્ટરનેટની હજુ શરૂઆત થઈ હતી અને નરેન્દ્રભાઈએ ઈન્ટરનેટના માધ્યમથી વિદેશમાં વસતા ગુજરાતીઓને ભાજપની નીતિ રીતિ અને તેમના પક્ષ તરફ આકર્ષવા માટેની શરૂઆત કરી દીધી હતી અને તેના ભાગરૂપે જ 1995માં ભાજપની સરકાર પ્રથમવાર એકલાહાથે સત્તા પર આવી હતી. અને આ માટેનો શ્રેય નરેન્દ્રભાઈને જાય કેમ કે, ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરીને તેમણે વિદેશમાં વસતા ગુજરાતીઓને પોતાના સ્વજનો જે ગુજરાતમાં છે તેમને ભાજપ તરફી મતદાન કરવા વિનંતિ કરી હતી. હવે, સવાલ એ થાય કે, જે વ્યક્તિ જ્યારે ઈન્ટરનેટની શરૂઆતના દિવસોનો લાભ લઈને જો ભાજપને સત્તા અપાવી શકતી હોય અને આજે તો સમગ્ર વિશ્વ લોકોની આંગળીઓના ટેરવે આવી ગયું છે ત્યારે અને સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ કરે ખરા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમ્પ્યૂટર અને સોશિયલ મીડિયાનો જેટલો ઉપયોગ કરે છે એટલો ઉપયોગ દેશના કોઈપણ રાજકીય પક્ષના નેતા નહિ કરતા હોય. અને તેમણે જ્યારથી દેશમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે ત્યારથી તેમણે એકપણ દિવસ એવો નથી ગયો કે નરેન્દ્ર મોદીએ તેનો ઉપયોગ ન કર્યો હોય. અને તેઓ સોશિયલ મીડિયામાં એટલા છવાયેલા છે કે, સમગ્ર વિશ્વના નેતાઓના સોશિયલ મીડિયાના ફોલોઅર્સની સરખામણી કરવામાં આવે તો તેઓ આજે વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયામાં ટોપ પર ચાલે છે. નરેન્દ્ર મોદીની જે દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ દેશના કોઈ નેતાની હોય એવું લાગતું નથી. કેમ કે, તેઓ સોશિયલ મીડિયા મારફતે એવા એવા સંદેશા આપે છે કે, તેમના ફોલોઅર્સની સંખ્યા દિનપ્રતિદિન વધી જ રહી છે. અને તેમના વહેતા કરાયેલી વાત સમગ્ર દેશના લોકો સરળતાથી ઉપાડી લે છે અને એ જ બતાવે છે કે તેમની સફળતા કેટલી છે. ત્યારે મારે અંતમાં એટલું જ કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોશિયલ મીડિયા પર કંઈ નવી વાત કરે અને એ પણ અટપટી હોય ત્યારે તેનો ક્યાસ કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ નહિ કે તેમની આ વાતને લઈને ખોટી ખોટી ટિપ્પણીઓ કરીને પોતાની હાંસી ઉડે એવું ન કરવું જોઈએ.

- અભિજિત
08 માર્ચ 2020 

Saturday, December 14, 2019

અભિની અભેરાઈમાંથી...

આમ તો હું છેલ્લાં 30 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં છું. આજે આ 30 વર્ષની સફરના કેટલાંક સંભારણાં પૈકીનો એક યાદગાર પ્રસંગ આજે મને મારી અભેરાઈમાંથી મળી આવ્યો. આજે હું મારા ખાનામાં ખોળાખંખોળા કરી રહ્યો હતો. એ સમયે મારા હાથમાં એક એપોઈન્ટમેન્ટ લેટર આવ્યો. જે હતો NDTVનો એપોઈન્ટમેન્ટ લેટર. આ લેટર એ સમયનો હતો જ્યારે દેશમાં ખાનગી ચેનલોનો રાફડો ફાટી નીકળ્યો નહોતો. આ વાત છે વર્ષ 1995ની જ્યારે મને પત્રકારત્વ ક્ષેત્રમાં આવ્યાને માત્ર પાંચ વર્ષ જ થયા હતા. આ પાંચ વર્ષમાંથી બે વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વની માસ્ટર ડિગ્રી લેવા ગયો તે બાદ કરી દઈએ તો કાયદેસરના ત્રણ જ વર્ષ થયા હતા. એ સમયે દિલ્હીમાં એક માત્ર ખાનગી ટીવી કંપની કામ કરતી હતી. અને એ હતી New Delhi Television Pvt. Ltd. (NDTV) અને એ સમયે ડો. પ્રણોય રોયની કંપનીનો અડધો કલાકનો સમાચારનો કાર્યક્રમ દૂરદર્શનની મેટ્રો ચેનલ પર શરૂ થવાનો હતો. આ માટે સમગ્ર દેશના દરેક રાજ્યમાંથી પ્રતિનિધિની નિમણૂંક કરવાની હતી. તે સમયે હું નવો નવો હતો એટલે આપણી એટલી પહોંચ પણ નહોતી. પરંતુ મારા પિતા સ્વ. તુષાર ભટ્ટ આ ક્ષેત્રમાં એક જાણીતું નામ હોવાના કારણે તેમને દિલ્હી અને મુંબઈના જાણીતા પત્રકારો ઓળખતા હતા અને મને તેમના કારણે લોકો ઓળખતા હતા. આ સંજોગોમાં તે સમયે ઈન્ડિયા ટૂડે (ગુજરાતી)ના તંત્રી શીલા ભટ્ટે ડો. રોયને મારું નામ સૂચવ્યું હતું. અને પછી તો તે સમયે દિલ્હીથી ફોન આવ્યો (લેન્ડલાઈન પર, કેમ કે તે સમયે મોબાઈલનો યુગ શરૂ થયો નહોતો.). અને મારો ટેલિફોનિક ઈન્ટર્વ્યૂ લેવામાં આવ્યો અને મારી પસંદગી કરી દેવાઈ. આમ ખાનગી ટીવી કંપનીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે મારી નિમણૂંક થઈ અને પછી શરૂ થઈ ઈલેક્ટ્રોનિક મીડિયાની સફર.


આ કામગીરી સંભાળ્યા બાદ મારે મહિનામાં જે સ્ટોરી કરવાની હોય તે માટે દિલ્હી સ્ટોરી આઈડિયા મોકલતો અને તેમાંથી સ્ટોરી આઈડિયા પસંદ થાય એટલે દિલ્હીથી રાજદીપ સરદેસાઈ અને કેમેરામેન ધનપાલ અમદાવાદની સફરે નીકળી પડે. આ સફર દરમિયાન અમારી ત્રિપૂટીએ ઘણી સ્ટોરી આપેલા આઈડિયા પ્રમાણે બનાવી તો ઘણી સ્ટોરી અચાનક જ બની ગઈ. આમને આમ આ સફરમાં બે મહિના પૂર્ણ થયા. ગુજરાતના મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલનું 17મી ફેબ્રુઆરી 1994માં અવસાન થયું હતું. અને તેમના મૃત્યુની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ હું, રાજદીપજી અને ધનપાલ અમદાવાદ-ગાંધીનગર ખાતે આવેલા તેમના સમાધિ સ્થળ નર્મદા ઘાટ ગયા હતા જ્યાં તત્કાલિન મુખ્યપ્રધાન છબીલદાસ મહેતા તેમ જ કોંગ્રેસ અને જનતાદલ (ગુ)ના નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. ત્યાંથી નીકળીને અમે તે સમયે ભાજપના પ્રદેશ કાર્યાલય જે ખાનપુરમાં આવેલું હતું ત્યાં પહોંચ્યા. તે સમયે નરેન્દ્રભાઈ મોદી ભાજપના સંગઠન મહામંત્રી હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમને મળવાનું થયું. આમ તો નરેન્દ્રભાઈ હું અમદાવાદનો પત્રકાર હોવાના નાતે તેમ જ વિવિધ અખબારોમાં ભાજપનું કવરેજ કરતો હોવાના કારણે ઓળખતા હતા. પરંતુ રાજદીપ સરદેસાઈને એટલા ન ઓળખે. અમે તેમની સાથે ઓળખાણની વિધિ પતાવ્યા બાદ ગુજરાતના રાજકારણની ચર્ચાની શરૂઆત કરી. જેમાં 1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે અને તેઓ પોતે ભાજપના સંગઠન મહામંત્રી હોવાના કારણે ભાજપની પ્રચારની નીતિ કેવી રહેશે તે વિશે વાત કરવાનું શરૂ કર્યું. અને અમારા કેમેરામેન ધનપાલે તેમની આ આખી વાતચીત (બાઈટ) તે સમયના બિટાકેમમાં રેકર્ડ કરી લીધી. આ બાઈટ લઈને તેમના કટ અવેસ બનાવ્યા અને ભાજપના ખાનપુર સ્થિત પ્રદેશ કાર્યાલયના વિઝ્યૂઅલ્સ પણ બનાવ્યા. અને પછી અમે નારણપુરા સ્થિત એડિટીંગ સેટઅપ પર ગયા અને ત્યાં અમે સ્ટોરી અંગ્રેજીમાં લખી અને તેનો વોઈસ ઓવર કરીને એડિટ કરી. આ આખી સ્ક્રિપ્ટ અને વિડીયો એડિટીંગ મેં કર્યું અને વોઈસ ઓવર રાજદીપજીએ કર્યો. અને આમ ભાજપની વિધાનસભા ચૂંટણીની તે સમયની રણનીતિ ઉપરની સ્ટોરી અમે તૈયાર કરી અને પછી અમારી ત્રિપૂટી અમદાવાદ એરપોર્ટ ગયા જ્યાં અમે દિલ્હી જતાં એક મુસાફરને અમારી ટેપ આપી અને દિલ્હી ખાતે અમારી ઓફિસમાં તે મુસાફરની અને ફ્લાઈટની વિગત વગેરે એસટીડી કોલ કરીને આપી દીધી. અને સાંજે સાતના ટકોરે ડીડી મેટ્રો પર NDTVના ન્યૂઝ ટૂનાઈટ કાર્યક્રમમાં તે સ્ટોરી પ્રસારિત થઈ જે નરેન્દ્રભાઈ મોદીએ જોઈ અને બીજા દિવસે બપોર થતાં અમે ફરી ભાજપના કાર્યાલય પર પહોંચ્યા ત્યારે તેમણે સહર્ષ અમારું સ્વાગત કર્યું અને અમારો ખૂબ ખૂબ આભાર માન્યો. અને પછી તેમની સાથે ચ્હાની ચૂસકીઓ અને નાસ્તાની મહેફિલ રોજ જામતી ગઈ અને આમ નરેન્દ્રભાઈ સાથે મિત્રતા થોડી મજબૂત થઈ. 1995માં ઈન્ટરનેટનો એટલો વ્યાપ નહોતો પરંતુ તે સમયે નરેન્દ્રભાઈ મોદીએ ઈન્ટરનેટના માધ્યમથી ઈ-મેઈલ કરીને વિદેશમાં વસતા ગુજરાતીઓને ભાજપ વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું અને તેમના આ પ્રયાસના કારણે વિદેશમાં વસતા ગુજરાતીઓ ખૂબ જ પ્રભાવિત થતાં અને તેમને વળતો જવાબ પણ લખતા તે પણ નરેન્દ્રભાઈ અમને બતાવતા અને તે સમયે તેમની છાતી ગજગજ ફૂલતી હતી. તેમની અને તેમના પક્ષના અન્ય નેતાઓની મહેનત આખરે રંગ લાવી અને ગુજરાતમાં પ્રથમવાર 1995માં ભાજપની સરકાર સત્તા પર આવી. હા, અગાઉ પણ ભાજપની સરકાર હતી પણ કોઈ પક્ષને ટેકો આપીને સત્તામાં ભાગીદારી કરી હોય એવી હતી. પણ 1995માં એકલા હાથે સત્તા પર આવીને કોઈના પણ ટેકા વગર સરકાર બનાવી. આમ, નરેન્દ્રભાઈનું કદ પણ વધી ગયું અને માન પણ. પરંતુ આ માન અને કદ ભાજપના જ કેટલાંક અને ખાસ કરીને શંકરસિંહ વાઘેલાને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું.

1996માં શંકરસિંહ વાઘેલા જેમણે પણ ભાજપને આટલી ઊંચાઈ પર લઈ જવામાં કોઈ કસર બાકી નહોતી રાખી તેઓ નારાજ થયા અને તેમણે ભાજપના મોવડીમંડળને નરેન્દ્રભાઈ વિરૂદ્ધ ફરિયાદો કરવાનું શરૂ કર્યું અને તેમની ઉપેક્ષા કરાઈ રહી હોવાની ઉગ્ર રજૂઆતો કરતાં તે સમયે ભાજપના મોવડીમંડળ અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્રભાઈ મોદીના રાજકીય ગુરૂ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત ભાજપમાં ફેલાઈ રહેલા અસંતોષને ખાળવા માટે નરેન્દ્રભાઈ મોદીને દિલ્હી ખાતે કેન્દ્રીય ભાજપમાં બોલાવી લીધા અને તેમને હિમાચલ પ્રદેશના પ્રભારી બનાવી દેતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાથેનું એક મહિના દરમિયાનનું સંભારણું આજે પણ યાદ આવે છે ત્યારે લાગે છે કે રણનીતિ ઘડવામાં તેઓ બેતાજ બાદશાહ છે. હિમાચલ પ્રદેશથી જ્યારે તેઓ ગુજરાતમાં લાંબા સમય બાદ આવ્યા ત્યારે મારી સફર પણ જેમ ગુજરાત ભાજપ સાથે નરેન્દ્રભાઈ મોદીની પૂર્ણ થઈ હતી તેમ NDTV સાથેની મારી સફર પણ પૂર્ણ થઈ ગઈ હતી. અને હું ફરી પાછો જયહિન્દ અખબારમાં આવી ગયો હતો. જ્યારે નરેન્દ્રભાઈ મોદી હિમાચલ પ્રદેશથી ગુજરાત આવવાના હતા ત્યારે તેમના સ્વાગત માટે ભાજપના પ્રદેશ એકમે કાલુપુર રેલવે સ્ટેશન પર એક સ્વાગત કાર્યક્રમ રાખ્યો હતો. જેને જયહિન્દના પત્રકાર તરીકે કવર કરવા હું ગયો હતો. અને સ્ટેશન પર ભાજપના તે સમયના નેતાઓ અને કાર્યકરોનો ઉત્સાહને હું ટપકાવી રહ્યો હતો. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ દૂરથી મને જોઈને તેમણે હાથ કોણીએથી વાળીને કેમેરો ક્યાં એવો સવાલ પૂછીને નજીક આવીને મારી સાથે વાતચીત કરવા લાગ્યા. આ જોઈને મને તેમની યાદશક્તિનો પરચો પણ મળી ગયો. આમ તો નરેન્દ્રભાઈ મોદી સાથે વર્ષ 2010 સુધી મારો સંપર્ક રહ્યો. પણ 2010માં મીડિયા છોડ્યા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો અને જ્યારે હું કોર્પોરેટ કંપનીઓમાં જનસંપર્ક અધિકારી તરીકે કામ કરતો હતો ત્યારે વર્ષ 2014માં તેઓ દેશના વડાપ્રધાન તરીકે સ્થાન સંભાળી ચૂક્યા હતાં. હું વર્ષ 2016માં ફરી મીડિયામાં સક્રિય થયો છું. ત્યારે હવે એવી આશા રાખી રહ્યો છું કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને હું યાદ હોઈશ કે નહિ.

અભિજિત
14-12-2019

Monday, January 7, 2019

અનામતનું ભૂત દેશભરમાં ધૂણ્યું

દેશમાં વળી પાછું અનામત મામલે રાજકારણ ગરમાયું છે અને જે ગુજરાત અને મહારાષ્ટ્ર પૂરતું સિમિત હતું તે અનામતનું ભૂત હવે દેશભરમાં ધૂણવા માંડ્યું છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળી. જેમાં ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ મામલે કેબિનેટે નિર્ણય લઈને હાલમાં ચાલી રહેલાં લોકસભાનાં સત્રમાં તે માટે સંશોધન લાવવાની જાહેરાત કરી. પરંતુ, જે જાહેરાત કરી છે તેને કેટલાંક લોકો મોદીનો માસ્ટરસ્ટ્રોક માની રહ્યાં છે. તો કેટલાંક લોકો તેને રાજકીય તિકડમ માની રહ્યાં છે. હકીકતમાં આ મોદી સરકારનું રાજકીય તિકડમ જ છે. કેમ કે, દેશની સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું છે કે, આર્થિક અનામત આપવાની હોય તો તે પણ 50 ટકાથી વધારે ન આપવી જોઈએ અને હાલની સ્થિતિને જોતાં 49.5 ટકા આર્થિક અનામત આપવામાં આવી છે. એટલે કે, .5 ટકા જ અનામત આપી શકાય એવું છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે મોટા ઉપાડે કેન્દ્ર સરકારે 10 ટકા અનામત આપવાની જાહેરાત તો કરી દીધી. પણ સવર્ણોને આર્થિક અનામત આપશે કેવી રીતે? અને આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મેદાન મારવા માટે વર્તમાન કેન્દ્ર સરકારે બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે.

વડાપ્રધાને વધુ એક જુમલો કરીને દેશમાં પડી રહેલી ઠંડીમાં ગરમાવો લાવી દીધો
વડાપ્રધાન તરીકે વર્ષ 2014માં પદ ગ્રહણ કરનાર નરેન્દ્ર મોદી છેલ્લાં સાડા ચાર વર્ષથી આ પ્રકારે જુમલા કરીને લોકોને યેનકેન પ્રકારેણ ભાજપ તરફી રાખવાનાં પ્રયાસો કરી રહ્યાં છે. અને તેમાં તેઓ સફળ પણ થઈ રહ્યાં છે. વર્ષ 2014ની ચૂંટણી પહેલાં મતદારોને રૂપિયા 15 લાખ ખાતામાં આવી જશે એવું કહ્યું, જે આજ દિન સુધી નથી આવ્યાં. હા, લોકોનાં ખાતામાંથી રૂપિયા ગાયબ થવા માંડ્યાં. નોટબંધી, જીએસટી, મોંઘવારી, વગેરેને કારણે દેશની જનતાનાં ખાતામાં પૈસા તો ન આવ્યાં પણ તેમનાં ખાતામાંથી પૈસા ઉડવા માંડ્યા અને તેમાં લોકોનું બજેટ પણ ખોરવાઈ ગયું. આમ વડાપ્રધાન દ્વારા આજે વધુ એક જાહેરાત કરાતાં સમગ્ર દેશમાં ઠંડીનાં જોર વચ્ચે રાજકારણમાં ગરમાવો આવી ગયો. વિવિધ રાજકીય પક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા  આ નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી અને કહ્યું કે, બંધારણની જોગવાઈ અનુસાર જે શક્ય નથી ત્યાં કેવી રીતે અનામત આપશે વર્તમાન સરકાર. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફરી એકવાર પ્રજાની હથેળીમાં ચાંદ દેખાડી દીધો છે.

પાટીદારોને આર્થિક અનામત આપવાનાં નિર્ણય કેમ રદ્દ થયો ?
વર્ષ 2015થી ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા મામલે હાર્દિક પટેલ આણી કંપની દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. અને આ પાટીદારોની અનામતની માગણી સમયે રાજ્ય સરકારે પણ ઘસીને ના પાડી દીધી અને સુપ્રીમ કોર્ટની દૂહાઈ આપી દીધી. અને તત્કાલિન મુખ્યમંત્રી અને હાલનાં મધ્ય પ્રદેશનાં મંત્રી આનંદીબહેન પટેલે પણ આજે જે રીતે કેન્દ્ર સરકારે સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી તેમ કરી હતી, પરંતુ જે તે સમયે ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ફગાવી દઈને આર્થિક અનામત આપવા બાબતે રાજ્ય સરકારને નનૈયો ભણી દીધો. જો ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર રાજ્યમાં પાટીદારોને આર્થિક અનામત આપવાનાં રાજ્ય સરકારનાં નિર્ણયને રદ્દ કરી શકતી હોય તો શું સુપ્રીમ કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરશે કે કેમ એ એક સવાલ પણ ઊભો થાય છે. જોકે, કાયદાનાં નિષ્ણાતોનું માનીએ તો આ મામલે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ ઈનકાર કરી શકે છે. કેમ કે, સુપ્રીમ કોર્ટનાં અગાઉનાં આદેશ મુજબ 50 ટકાથી વધારે આર્થિક અનામત નહિ આપવી. જો એ આદેશને ફોલો કરવામાં આવે તો ચોક્કસ આ નિર્ણય રદ્દ થવાને પાત્ર  છે. પરંતુ, કેબિનેટે જ્યારે આ નિર્ણયને બહાલી આપી છે ત્યારે એવી પણ જાહેરાત કરી છે કે, આ મામલે લોકસભાનાં ચાલી રહેલા સત્રમાં સંશોધન લાવવામાં આવશે. અને મંગળવારે લોકસભાનાં શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે, ત્યારે આ સંશોધન મંગળવારે રજૂ કરવામાં આવશે. આર્થિક રીતે પછાત સવર્ણોને 10% અનામત અપાશે. 50% અનામતની મર્યાદા ઉપર આ અનામત હશે  એટલે સંવિધાનના આર્ટિકલ 15માં 15(6) જોડવામાં આવશે તથા આર્ટિકલ 16માં 16(6) જોડવામાં આવશે. આ પ્રકારનું સંવૈધાનિક સંશોધનનું બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. ટૂંકમાં હાલમાં તો સવર્ણોને અનામત આપવાની જાહેરાત માત્ર રાજકીય તિકડમ જ ગણી શકાય.

ગુજરાત સરકાર અને પ્રદેશ ભાજપે આવકાર્યો નિર્ણય
જોકે, કેબિનેટે લીધેલાં નિર્ણયને ગુજરાત સરકારે આવકારી અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ એકમે પણ આ નિર્ણયને આવકાર્યો છે. પ્રદેશ ભાજપનાં નેતાઓનાં કહેવા પ્રમાણે કેન્દ્રની મોદી સરકારે જે નિર્ણય કર્યો છે તેમનાં સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસને સાર્થક કરે છે. અને ભાજપે આપેલાં વચન પ્રમાણે દરેક સમાજનો વિકાસ કરવાની વાતને પણ આ નિર્ણય યોગ્ય છે. અને જો સમાજનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે એવો સૂર વ્યક્ત કર્યો છે.

પાસનાં નેતાઓએ પણ કેન્દ્ર સરકારનાં નિર્ણયને ગણાવ્યો જુમલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કરેલી જાહેરાતનાં પગલે છેલ્લાં ત્રણ વર્ષથી પાટીદારો માટે અનામતની માગણી કરી રહેલાં હાર્દિક પટેલે પણ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે અને આરોપ મૂક્યો છે કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા માટેની ભાજપની મેલી મુરાદ ઉઘાડી પડી છે. જે કેન્દ્ર સરકાર સવર્ણોને આર્થિક અનામત આપવાની વાત કરે છે તે શક્ય બનવાનું નથી. કેમ કે, સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ 50 ટકાથી વધારે અનામત આપી ન શકાય. ત્યારે આ સરકારે જે અનામત આપવાની વાત કરી છે તો એ ક્યાંથી આપશે?

અનામતની વર્તમાન સ્થિતિ પર એક નજર
દેશની કુલ વસ્તી અંદાજે 130 કરોડ જેટલી છે. વસ્તીની દ્રષ્ટિએ દલિતોને 15 ટકા, આદિજાતિને 7.5 ટકા અનામતની પહેલેથી જ જોગવાઈ છે. ત્યારબાદ માંડલ કમિશને સમાવેશ કરેલા નવા વર્ગ ઉમેરાતા ગયા. જેની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે ગણતરી કરવામાં આવી. દેશની કુલ વસ્તીમાં આ વર્ગની સૌથી વધુ સંખ્યા હોવાથી તેમને સૌથી વધુ એટલે કે, 27 ટકા અનામતની ફાળવણી કરવામાં આવી. આમ આ તમામ આંકડા જોઈએ તો કુલ 49.5 ટકા અનામત તો અપાઈ ચૂકી છે. હવે રહ્યાં માત્ર .5 ટકા તો આ સંજોગોમાં સવર્ણોને કેવી રીતે અનામત ફાળવવામાં આવશે એ એક યક્ષ પ્રશ્ન છે.

કેમ રાજકીય હેતુ?
કેન્દ્રની મોદી સરકાર અનેક નિર્ણયો જેવા કે, નોટબંધી, GST, સતત વધી રહેલી મોંઘવારી અને રાફેલનાં સોદામાં થયેલા ભ્રષ્ટાચારનાં આરોપોનો સામનો કરી રહી છે. જેમાં વિપક્ષ દ્વારા હંમેશા નોટબંધીની નિષ્ફળતા, GSTને કારણે વેપારીઓને પડેલી તકલીફોને લઈને હંમેશા વડાપ્રધાન મોદીને અને ભાજપને ઘેરવામાં આવી રહ્યાં છે. આટલું ઓછું હોય એમ હાલમાં જ દેશભરમાં રાફેલના સોદો કેન્દ્રની મોદી સરકારનાં ગળામાં હાડકું ફસાઈ ગયું હોય એમ અટવાયેલો છે. ત્યારે આ બધા મુદ્દાઓથી ઘેરાયેલી કેન્દ્ર સરકારે સવર્ણોને અનામત આપવાનું હથિયાર ઉઠાવ્યું છે. અત્રે નોંધનીય છે કે અગાઉ વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ, બસપા સહિતનાં કેટલાંક પક્ષો દ્વારા સવર્ણોને આર્થિક અનામત આપવાનાં વચનો આપી ચૂક્યાં છે. અને આ મુદ્દાને ઉઠાવીને કેન્દ્રની ભાજપ સરકારે વિપક્ષોમાં તડાં પડાવવા અને પોતાની મતબેન્કને જાળવી રાખવા માટે આ રાજકીય નિર્ણય લીધો હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

આ નિર્ણય 2019ની ચૂંટણીમાં કેવો લાવશે રંગ?
2019નું વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. અને વર્તમાન ભાજપનાં નેતૃત્વવાળી કેન્દ્ર સરકારનાં નિર્ણયોથી પ્રજાને હાલાંકી ભોગવવી પડી છે ત્યારે સવર્ણોને અનામત આપવાની જાહેરાત કરીને વડાપ્રધાન મોદીએ મોકે પે ચોકા જરૂર મારી દીધો છે. અને આવનારી ચૂંટણીમાં નોટબંધી, GST, સતત વધી રહેલી મોંઘવારી અને રાફેલનાં સોદામાં થયેલાં ભ્રષ્ટાચારને વિપક્ષો પણ કોરાણે મૂકી આ મુદ્દાને ચૂંટણી મુદ્દો બનાવે એવી સ્થિતિનું ઊભી કરી દીધી છે. મોદીનાં આ નિર્ણયને કારણે ચોક્કસ એવું કહી શકાય કે આ વખતની લોકસભાની ચૂંટણીનો રંગ જ અલગ હશે.

Thursday, September 20, 2018

આતંકવાદ છે એક વિવાદ, ન થવો જોઈએ સંવાદ


પાકિસ્તાન પ્રેરિત આતંકવાદે ખરેખર હવે માથું ઊંચક્યું છે. જમ્મુ સરહદ પર ફરજ બજાવી રહેલા બીએસએફનાં જવાનની ક્રૂર હત્યા કર્યા બાદ બેશરમ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારત પાકિસ્તાન વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા કરવાની વાત કરી અને ભારત સરકારે તેનો સ્વીકાર પણ કરી દીધો. આ બેઠક 25મી સપ્ટેમ્બરે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દરમિયાન થવાની શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે. જોકે, આ દ્વીપક્ષીય મંત્રણા ભારત અને પાકિસ્તાનનાં વિદેશ મંત્રીઓની વચ્ચે યોજાશે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ભોગ બની રહેલાં ભારત અને ખાસ કરીને સેનાનાં જવાનોની શહાદતને નજર અંદાજ કરીને હાલની ભાજપ સરકારનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એક સમયે એટલે કે 2014માં સત્તા પર આવવા માટે દેશભરમાં સભાઓ ગજવીને પાકિસ્તાનને અને તેના દ્વારા ફેલાવાતાં આતંકવાદને ચપટી વગાડતાં જ મસળી નાંખશે એવી મોટી મોટી વાતો કરી અને દેશની પ્રજાનાં ખોબલે ખોબલે મત મેળવીને સત્તા પર આવી ગયાં. પરંતુ તેમની સત્તા આવતાં જ 2014માં કરેલી વાતો ભૂલાવી દઈને પાકિસ્તાનનાં તત્ત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ઈલૂ ઈલૂ કરવા વગર આમંત્રણે લાહોર અને ઈસ્લામાબાદ જઈ પહોંચ્યા અને તેની રિટર્ન ગિફ્ટમાં પાકિસ્તાને પઠાણકોટનો હુમલો આપ્યો. આટ આટલાં ઘા વાગવા છતાં પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો માટે પહેલ કરવાની હિલચાલ ચાલુ જ રાખી. અને પાકિસ્તાને બદલામાં વાટાઘાટો કરવાના બદલે આપણાં જવાનોની ક્રૂરતાપૂર્વકની હત્યાઓ કરી દીધી. અગાઉ જમ્મુ કાશ્મીરનાં પૂંચ સેક્ટરમાં 8મી જાન્યુઆરી 2013માં બે જવાનોનાં માથાં વાઢીને પાકિસ્તાની સૈનિકો ચાલ્યા ગયાં હતાં. ત્યારે વિપક્ષમાં ભાજપ હતું અને યુપીએ સરકારની આકરી ટીકા કરી હતી. સાથે સાથે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી જે તે સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં તેમણે પણ ખરી ખોટી સંભળાવીને શહીદ સૈનિકોની બર્બર હત્યા માટે કેન્દ્રની ડો. મનમોહન સિંઘની યુપીએ સરકારને જવાબદાર ઠેરવીને આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. એ સમયે મોટા ઉપાડે તેમણે એવું એલાન કર્યું હતું કે, કેન્દ્રમાં ભાજપની સરકાર આવશે તો એક માથાની સામે દસ માથાં લાવીને બદલો વાળીશું. ક્યાં ગઈ એ વાતો?
ભાજપનાં શાસનમાં આતંકવાદી ગતિવિધિઓ ઘણી તેજ બની હતી અને છાસવારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ થતાં રહ્યાં સાથે સાથે ભારતીય સૈન્યનાં જવાનોનાં અપહરણ કરીને તેમની હત્યા કરવાનાં બનાવો પણ ઓછાં નથી બન્યાં. આવા સંજોગોમાં દોસ્તીનો હાથ લંબાવીને હંમેશા પીઠમાં ખંજર ભોંકવામાં માહેર પાકિસ્તાનની વાતમાં આવીને ફરી બેઠકો યોજીને શાંતિની શોધ કરવા આગળ વધવાનાં ભારત સરકારનાં નિર્ણયની ચોતરફ ટીકા થઈ રહી છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન માર્યા ગયેલાં આપણાં જવાનોનાં પરિવારજનોની આંખનાં આંસૂ હજુ સુકાયાં નથી ત્યાં પાકિસ્તાન સાથે ભાઈચારાનાં સંબંધો વધારવા માટે અમેરિકાનાં ન્યૂ યોર્કમાં બેઠક યોજવી કેટલી યોગ્ય છે એ સવાલ દરેક ભારતીય પૂછી રહ્યો છે.
ભારતનાં બીએસએફનાં જવાનની ક્રૂર હત્યાનાં દિવસે જ પાકિસ્તાનનાં ક્રિકેટર ટર્ન વઝીર-એ-આઝમ ઈમરાન ખાને પોતાનાં પત્રમાં લખ્યું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે બંન્ને દેશોની વચ્ચે એક આંતરિક સંબંધ બનેલા અને શાંતિ જળવાઇ રહે. એટલા માટે હું પાકિસ્તાનનાં વિદેશ મંત્રી મખદૂમ શાહ મહમદ કુરૈશી અને ભારતનાં વિદેશમંત્રી સુષમા સ્વરાજ વચ્ચે મીટિંગનો પ્રસ્તાવ મુકુ છું. આ મીટિંગ ન્યૂયોર્કમાં યોજવાની છે યુએન જનરલ એસેમ્બલી ઉપરાંત હોય. આ મીટિંગમાં આગળનાં રસ્તાઓ નિકળી શકે છે. ખાસ કરીને ઇસ્લામાબાદમાં થનારા સાર્ક સમિટ પહેલા આ એક મોટી પહેલ હશે. આ સમિટની તક હશે, જ્યારે તમે પાકિસ્તાનની યાત્રા કરે અને વાતચીત આગળનો રસ્તો ખુલ્લે. હું તમારી સાથે મળીને બંન્ને દેશોનાં લોકોનાં ફાયદા માટે કામ કરવા માંગુ છું. કૃપા તેનો સ્વીકાર કરો.’
ભારત સરકારે આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો અને હવે શરૂ થયું છે તેનાં પર રાજકારણ. આ પ્રકારની વાટાઘાટો ક્યાં સુધી સરકાર કરશે અને ક્યાં સુધી આપણાં જવાનોની શહાદતને સાંખી લઈશું. શું આ બધાનો કાયમી અંત નથી? ભારતીય સેનાનાં નિવૃત્ત અધિકારીઓ અને શહીદ થયેલાં જવાનોનાં પરિવારજનો પણ નથી ઈચ્છતાં કે ભારત પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે વાટાઘાટો કરે. દરેકનાં મોંઢે એક જ વાત છે ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ!’

Wednesday, September 5, 2018

મોકે પે ચોક્કા...

સમગ્ર રાજ્યમાં હાલમાં હાર્દિકનાં આમરણાંત ઉપવાસનો મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે આ યુવાનને દેશભરમાંથી જે રીતે સમર્થન મળી રહ્યું છે તેને જોતાં આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં તેનાં પડઘાં જરૂર પડશે. અને આ માટે રાજ્ય સરકારે 11 દિવસ બાદ જાગીને હાર્દિક મામલે પ્રતિક્રિયા આપી. સામાન્ય રીતે પાટીદાર કે હાર્દિક મામલે દર વખતે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પ્રતિક્રિયા આપતાં હોય છે, પરંતુ મંગળવારે બપોરે એકદમ જ રાજ્યનાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે પોતના ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે પત્રકારોને બોલાવીને હાર્દિકના આમરણાંત ઉપવાસ મામલે સરકાર તરફથી પ્રતિક્રિયા આપી. ત્યારે ભાજપનાં પાટીદાર અને પાણીદાર નેતા નિતીન પટેલ જે હાલમાં વાઈબ્રન્ટ ગુજરાતનાં પ્રમોશન માટે જાપાનની મુલાકાતે ગયાં છે ત્યારે ભાજપ દ્વારા એક ચોક્કસ રાજકીય ચાલ ચાલવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. કેમ કે હંમેશા હાર્દિક મામલે નિતીન પટેલ સરકાર વતી જવાબ આપતાં હતાં પરંતુ 2019ની ચૂંટણીમાં ભાજપને પોતાને થનારા નુકસાનની ભીતિ લાગી હશે એટલે ભાજપનાં ચાણક્ય સાથે પ્રદેશ ભાજપનાં વરિષ્ઠ નેતાઓએ ચર્ચા કરી એટલે ચાણક્યએ નવી ચાલ ચાલી પાટીદારોમાં ખૂબ જ વખણાયેલાં અને પાણીદાર નેતા નિતીન પટેલની ગેરહાજરીનો લાભ ઉઠાવીને સૌરભ પટેલને પાટીદાર સમાજમાં આગળ ધરવાનું નક્કી કર્યું. કેમ કે, જો ભાજપ આવું ન કરે તો હાર્દિક જે હાલમાં આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે આ આંદોલનની અસર 2019ની ચૂંટણી પર ન પડે. અને સાથે સાથે મજબૂત પાટીદાર નેતા નિતીન પટેલને પણ સાઈડ ટ્રેક કરી દેવાય. સૌરભ પટેલને હાર્દિકની માંગણીઓ સંદર્ભે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ સાથે વાટાઘાટો કરી અને ઉકેલ લાવવાની દિશામાં આગળ વધવાની શરૂઆત કરી છે ત્યારે મંગળવારે રાત્રે બીજા એક વાવડ આવ્યાં અને એ પણ નિતીન પટેલનાં મતવિસ્તાર મહેસાણા તરફનાં. સમાચાર એવાં આવ્યાં કે 2017ની ચૂંટણીમાં મહેસાણા વિધાનસભા બેઠક પરથી ભાજપનાં નિતીન પટેલ સામે કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે જીવાભાઈ પટેલ ઊભા હતાં, અને તેઓ હારી ગયાં. છેલ્લાં કેટલાંય સમયથી જીવાભાઈ પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની વિચારણા કરી રહ્યાં હતાં. અને હાર્દિક પટેલ દ્વારા શરૂ કરાયેલાં આમરણાંત ઉપવાસ અને રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનાં જાપાન પ્રવાસનો લાભ લઈને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મોટો ખેલ પાડી દીધો. અને તેમણે જીવાભાઈને મંગળવારે કેસરિયો ધારણ કરાવી દીધો. આમ ભાજપનાં ચાણક્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહથી શતરંજની બાજીમાં કોંગ્રેસ તેમ જ પાટીદાર માટે આંદોલન કરી રહેલાં હાર્દિક પટેલને ચેક મેટ આપી દીધું છે. ત્યારે હવે આ મામલે રાજ્યમાં રાજકારણ વધુ ગરમાશે એ નક્કી છે.
હવે, જ્યારે રાજ્ય સરકારે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે હાર્દિક પટેલે પણ પોતાની માંગણી સંદર્ભે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરીને કોઈ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. હાર્દિકની જે બે માંગણીઓ છે તેમાં પાટીદારોને અનામત આપવાની બાબતે તો એ બાબતે પહેલાં પણ સ્પષ્ટતા થઈ ચૂકી છે ત્યારે આ મામલે વધારે કોઈ નિરાકરણ આવે એવી શક્યતા નથી. ત્યારે ખેડૂતોના દેવા માફીની વાત તો એ બાબતે રાજ્ય સરકારને પણ વિચારણા કરવાનો સમય આપવો જોઈએ કેમ કે જો ખેડૂતોનાં દેવા માફી કરવાની જાહેરાત કરે તો રાજ્ય સરકારની તિજોરી પર બોજ પડે અને તેની સીધી અસર ગુજરાતની પ્રજા પર પડે. ટૂંકમાં, હાર્દિક પટેલનાં આ આંદોલન પાછળ જે કોઈ ભેજું ચાલે છે તેમાં આવનારી 2019ની ચૂંટણીમાં પોતાનો ફાયદો કઢાવવા માટે કોંગ્રેસનો હાથ હોય એવું ફલિત થાય છે. કેમ કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી એકપણ બેઠકો કોંગ્રેસને નથી મળી ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં થોડી ઘણી બેઠકો મેળવવા માટેની તૈયારી કોંગ્રેસે પાટીદાર આંદોલન સમિતિને હાથો બનાવીને કરી હોય એવું લાગી રહ્યું છે.
11 દિવસ સુધી સતત વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા કે નેતાઓ દ્વારા સરકારને હાર્દિક સાથે વાટાઘાટ કરીને આ મામલે ઉકેલ લાવવાની અપીલ કરવામાં આવી. પરંતુ, સરકારનાં પેટનું પાણી પણ હાલ્યું નહિ. અને 11 દિવસ બાદ સરકારે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી એટલે ચોક્કસ આ આખા ઘટનાક્રમમાં મજબૂત રાજકારણ રમાઈ રહ્યું હોય એવું નકારી શકાય નહિ. આટલું ઓછું હોય એમ છેલ્લાં ત્રણ ચાર દિવસથી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ જેમણે હાર્દિકથી મોંઢું ફેરવી લીધું હતું તેઓને અચાનક હાર્દિક પ્રત્યે કેમ પ્રેમ જાગ્યો એ પણ એક વિચારવા જેવો સવાલ છે. તમામ સંસ્થાઓનાં વડા અને તેમનાં પ્રતિનિધિઓ પણ મંગળવારે જ અમદાવાદના ઉમિયા કેમ્પસમાં મળ્યાં અને તાત્કાલિક ગાંધીનગર રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવા પહોંચી ગયાં. ત્યારે આ તમામ સંસ્થાઓનાં વડાઓ એક યા બીજી રીતે પોતાનો લાભ કઢાવવા માટે પણ રાજ્ય સરકાર અને ભાજપ સાથે હાર્દિક પટેલની માંગણી સંદર્ભે મળવા ગયા હોય એવી શક્યતાઓ નકારી પણ ન શકાય.
-અભિજિત
05-09-2018

Thursday, June 28, 2018

સર્જિકલ સ્ટ્રાઈક પર રાજકીય ગોળીબાર


વર્ષ 2016ની 28 અને 29મી સપ્ટેમ્બરે ભારતે ઉરી સેક્ટરમાં આવેલાં પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનોનાં લોન્ચિંન્ગ પેડ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. તેનાં બરાબર 636 દિવસ એટલે કે 27મી જૂન 2018નાં રોજ ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકનો અસ્સલ એટલે કે રિયલ વિડીયો જારી થયો. આ વિડીયો બહાર આવતાં જ દેશમાં આ સ્ટ્રાઈક પર રાજકીય પક્ષોનો ગોળીબાર શરૂ થઈ ગયો. દેશનાં રાજકારણમાં વરસાદી મોસમની ઠંડક વચ્ચે ગરમાવો આવી ગયો.
27મી જૂને કેટલીક ન્યૂઝ ચેનલો પર આ સર્જિકલ સ્ટ્રાઈકનો વિડીયો રજૂ થયો અને લગભગ તમામ ચેનલો પર એક જ સવાલ ઉઠાવવામાં આવ્યો કે, આ વિડીયો જોતાં સર્જિકલ સ્ટ્રાઈક ખરેખર થઈ હતી અને આ સ્ટ્રાઈક ઉપર સવાલ ઉઠાવનાર ધોળી ટોપી ખાદીધારી નેતાઓ દેશની માફી માંગે, સેનાની માફી માંગે એ પ્રકારનાં રાગ આલાપવામાં આવી રહ્યાં હતાં. મોડી સાંજે ન્યૂઝ ચેનલો પર શરૂ થયેલાં વિડીયોનાં સર્જિકલ સ્ટ્રાઈકને કારણે ભારે શોર બકોર ટીવી ચેનલોમાં જોવા મળ્યો. અને હા એક વાત ચોક્કસ કહું કે 27મી જૂનની મોડી સાંજની જીઈસી એટલે કે જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલોની ટીઆરપી આ ન્યૂઝ ચેનલો ખાઈ ગયાં. લગભગ તમામ ઘરોમાં ન્યૂઝ ચેનલો જોવાતી હતી અને લોકો પણ રાજકીય પક્ષો અને તેમનાં ટેકેદાર રાજકીય વિશ્લેષકોની વિશેષ ટિપ્પણીઓ જોતાં અને સાંભલતાં હતાં. ખાસ કરીને સત્તાધારી પક્ષનાં નેતાઓ અને સમર્થક રાજકીય વિશ્લેષકો બરાડાં પાડી પાડીને વિપક્ષનાં નેતાઓ અને તેમનાં ટેકેદાર રાજકીય વિશ્લેષકોને માફી માંગવા કહી રહ્યાં હતાં. તો બીજી બાજુ વિપક્ષી નેતાઓ અને તેમનાં સમર્થક વિશ્લેષકો પણ ગાંજ્યા જાય એવા નહોતાં તેઓ પણ પોતાનું લોજિક રજૂ કરતાં હતાં. ટૂંકમાં આ તમામ લોકોએ સર્જિકલ સ્ટ્રાઈક પર રાજકીય ગોળીબાર શરૂ કરી દીધો. અને આ બધાં ખેલ જોઈને દેશની જનતાને મફતમાં મનોરંજન લગભગ રાતનાં 12 વાગ્યા સુધી મળતું રહ્યું.
તો બીજા દિવસે સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજે નીકળવાની છે ત્યારે જગન્નાથજી અષાઢી બીજ પહેલાં પોતાનાં મોસાળ જાય છે. તેના માટે જળયાત્રા ચાલી રહી હતી, તો બીજી બાજુ સવારે બરાબર નવનાં ટકોરે દિલ્હી ખાતે આવેલાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી ખાતે કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલે પત્રકાર પરિષદ યોજી એટલે ગુજરાત સ્થિત કેટલીક ચેનલોએ જળયાત્રા તેમ જ ભગવાન જગન્નાથજીનાં દર્શન કરાવવાનું બાજુ પર રાખીને કોંગ્રેસની પત્રકાર પરિષદનાં દર્શન કરાવવાનું શરૂ કરી દઈને જળયાત્રા લાઈવ પર પાણી ફેરવી દીધું. કોંગ્રેસની પત્રકાર પરિષદમાં સુરજેવાલે સૌથી પહેલું વાક્ય એવું કહ્યું કે, ભાજપ ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈકનાં વિડીયો દ્વારા વર્ષ 2019માં આવનારી લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા માટે રાજનીતિ કરી રહ્યું છે. તેમણે ભારત આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી ભારતીય સેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકની વિગતો આપી. અને એવું પણ કહ્યું કે, વર્ષ 1999માં એનડીએની એટલે કે ભાજપની આગેવાનીમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, અને એ સમયે પણ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, પરંતુ તત્કાલિન વડાપ્રધાન વાજપેયીજીએ આ સ્ટ્રાઈકને લઈને ક્યારેય રાજનીતિ કરી નહોતી. અને આમ ભાજપને ખરી ખોટી સંભળાવી દીધી. તો, ભાજપે પણ બપોર થતાં જ તેમનાં નેતા રવિશંકર પ્રસાદને ભાજપનાં દિલ્હી સ્થિત હેડક્વાટર પર બેસાડીને પત્રકારોને સંબોધવા બેસાડી દીધાં અને તેમણે પણ ભારતીય સેનાનું કોંગ્રેસ અપમાન કરી રહી હોવાનાં આરોપો સાથે કોંગ્રેસે કરેલાં આક્ષેપોનો જવાબ આપી દીધો.
આમ રાજકીય પક્ષોની હૂંસાતૂંસીમાં સૈન્યનાં જવાનો પિસાવા લાગ્યાં. આ બાબતે જ્યારે મારા મિત્ર એવા સેનાનાં નિવૃત્ત કેપ્ટન જયદેવ જોષીને પૂછ્યું કે, ભારતીય સૈનિકોને વચ્ચે રાખીને જે રાજકારણ રમાઈ રહ્યું છે તેનાં કારણે સેનાનું મોરલ ડાઉન ન થાય, આ પ્રકારનું રાજકારણ કેટલું યોગ્ય છે, તો તેમણે પોતાની અસ્સલ વળ ચડાવેલી મૂંછો પર હાથ ફેરવીને કહ્યું કે, “સેનાનાં નામે રાજકારણ ન રમાવું જોઈએ. પણ એક વાત ચોક્કસ છે કે આ પ્રકારનાં રાજકારણથી સૈનિકોનું મોરલ ડાઉન ક્યારેય થયું નથી કે થવાનું નથી, કેમ કે સૈનિકો કોઈનાં મોહતાજ નથી. તેમણે દેશની સુરક્ષા કરવાનું નક્કી કર્યું છે તો તેઓ તેને માટે અડીખમ તૈયાર જ રહેશે, પણ હા રાજકીય પક્ષોને ચોક્કસ કહીશ કે ભારતીય સેના અને સૈનિકોનાં નામે રાજકારણ ન રમો.” બસ કેપ્ટન જયદેવ જોષીની આ વાત મને ખૂબ જ ગમી ગઈ અને રાજકીય પક્ષોએ પણ આ વાત પોતાનાં મગજમાં ઉતારી લેવાની જરૂર લાગે છે.
ભારતીય સેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકને રાજકીય મુદ્દો બનાવીને જે રીતે ઉછાળવામાં આવી રહ્યું છે તો એટલું ચોક્કસ કહીશ કે, હવે રાજકીય પક્ષો પાસે ચૂંટણી લડવા માટે મુદ્દાઓ નથી રહ્યાં કે ભારતીય સેના અને સૈનિકોને નામે મત મેળવવા માટે આ પ્રકારનાં નિવેદનો કે આરોપ પ્રતિ આરોપ કરવા પડે છે. રાજકીય પક્ષોએ પ્રજાને લગતાં પ્રશ્નોને વાચા આપવી જોઈએ અને પ્રજાને તકલીફ ન પડે તે માટેની યોજનાઓ પર તમામે ભેગાં થઈને કામ કરવું જોઈએ જેથી લોકોની સાથે સાથે દેશનો વિકાસ પણ થશે. જો આવી જ રાજનીતિ કરતાં રહીશું કે લડતાં રહીશું તો ફરી દેશ ગુલામીની ગર્તામાં ધકેલાઈ જશે.

-અભિજિત
28-06-2018